સુરક્ષા સંવાદ – ૫

Behavioural Safety

પૂર્વભૂમિકા

પ્રકૃતિએ આપણને  એક ભય આપેલો છે અને તે દરેક જીવમાં જોવા મળે છે, તે છે પ્રાણ ભય. પ્રકૃતિ ઈચ્છે છે કે દરેક જીવ પોતાનું અસ્તિત્વ આ જગતમાં ટકાવી રાખે. કુતરા ની પાછળ લાકડી લઈને જોઈએ તો તે તરત જ
ભાગી જાય છે. જો પ્રકૃતિએ આ ભય દરેક પાણીમાં રાખ્યો હોય તો પછી માનવ ને સુરક્ષા વિશે કેમ આટલી માથાકૂટ કરવી પડે છે? આપણે હેલ્મેટના નિયમો કેમ બનાવવા પડે છે? માનવ જાણે કંપની ઉપર કે સરકાર ઉપર ઉપકાર કરતો હોય તે રીતે ‘સેફ્ટી’ ને કેમ જોવે છે? તે પોતાના સ્વિવયં વિશે કેમ વિચારતો નથી? કોઈપણ કંપનીમાં સેફ્ટી ડિપાર્ટમેન્ટ ની જરૂર શા માટે પડતી હોય છે?

વિચારો …

મોટેભાગે આપણે ભૂતકાળના અનુભવોમાંથી ઓપરેટ થઈએ છીએ. ભૂતકાળમાં આપણે અસુરક્ષિત કામ કર્યું હોય અને આપણે કંઈ પણ થયું ના હોય તો આપણી દૃઢ માન્યતા બની જાય છે કે મને કંઈ થશે નહીં. આપણી આ માન્યતાથી આપણે ઓપરેટ થઈએ છીએ અને આપણે સુરક્ષા પ્રત્યે બેદરકારી બની જઈએ છીએ. દરેક કંપનીની પોતાની એક આગવી વ્યવસ્થા હોય છે. જો કર્મચારી કંપનીની વ્યવસ્થામાં સહયોગ આપી પોતે વ્યવસ્થાનો ભાગીદાર બને તો કંપની માટે સુખદાયી તો છે જ પણ તેના પોતાના માટે પણ સુખદાયી બાબત છે. પણ તે જો અવ્યવસ્થા ઊભી કરે તો પોતે પણ દુ:ખી થાય અને કંપનીના મેનેજમેન્ટને પણ દુઃખી કરે છે.

ટૂંકમાં, પરિવાર હોય , સમાજ હોય કે કોઈ કંપની હોય તેમાં વ્યક્તિ અવ્યવસ્થા ઊભી કરે તો તેની સાથે સંકળાયેલ બધી વ્યક્તિ દુઃખી થાય છે અને તેના વિશે નકારાત્મક અભિપ્રાય ધરાવે છે. એથી ઊલટું, જો વ્યક્તિ પોતે વ્યવસ્થામાં રહેતી હોય તો આજુબાજુ લોકો માટે તે સુખદાયી બની જાય છે. સુરક્ષા મારા પોતાના માટે છે અને હું સુરક્ષામાં રહું છું. તો મારી કંપનીમાં એક વ્યવસ્થા જળવાય છે જે છેવટે કંપનીને અને મને સુખ પ્રાપ્ત થાય છે, આટલી સરળ વાત જો માણસના મન સુધી પહોંચી જાય તો પછી તેને બીજું કંઈ વધારે સમજાવવાની જરૂર રહેતી નથી.

તેમ છતાં વ્યક્તિ અસુરક્ષિત કામ કરે છે કેમ? આ સૌથી મોટો મૂંઝવતો સવાલ છે. મારી દૃષ્ટિએ અસુરક્ષિત કામ કરવા પાછળના કેટલાક કારણો છે…

અસુરક્ષિત કામ કરવા પાછળના કારણો

૧. બેદરકારી –
૨. નીતિ-નિયમોનું ઉલ્લંધન
૩. ટેન્શન-ભય-ચિંતા
૪. મજાક-મસ્તી
૫. ઉજાગરો કે અપૂરતી ઊંઘ
૬. આયોજન અને સાવધાનીનો અભાવ
૭. વધુ પડતો આત્મવિશ્વાસ
૮. પરિણામની ગંભીરતાનો અભાવ
૯. ખોટું અનુકરણ
૧૦. મને કંઈ નહીં થાય તેની માનસિકતા
૧૧. મોબાઈલનો અવિવેકપૂર્ણ ઉપયોગ
૧૨. ઓવરલોડ અને કામનું ભારણ
૧૪. માહિતી/જ્ઞાનનો અભાવ.
૧૫. કમ્યુનિકેશનનો અભાવ

ઉપરોકત કારણો પૈકી સૌથી મહત્વના એવા ત્રણ કારણોને આજે આપણે વિગતે જોઈએ:

૧. બેદરકારી
અસુરક્ષિત કામ કરવામાં સૌથી મહત્વની બાબત છે, વ્યક્તિ કામ પ્રત્યે બેદરકારી. લાપરવાહી ને કારણે મોટાભાગના અકસ્માત સર્જાય છે.

અલાસ્કામાં બનેલી એક વિમાન દુર્ઘટના જેમાં ૨૫૦ લોકોના મોત થયા. તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી જે આ ઘટના નું સંશોધન કરે. આ સમિતિ એ વિમાન દુર્ઘટનામાં મળી આવેલા બ્લેક બોક્સ માં કેપ્ટન અને વાઈસ કેપ્ટન વચ્ચેનાં સંવાદ સાંભળ્યા. ખૂબ જ ઊંડો અભ્યાસ કરતાં એ તારણ આવ્યું કે એક સફાઈ કામદારની બેદરકારીને કારણે આવડી મોટી દુર્ઘટના
બની.

વાત એમ બની હતી કે આગલી રાત્રે ખૂબ જ બરફ પડ્યો હતો અને ત્યાંની રોજિંદા કામગીરી પ્રમાણે સવારે વિમાન ની પૂરી સફાઈ કરવાની હતી અને તેની ઉપર જામેલો બરફ દૂર કરવાનો હતો. પહેલા સફાઈ કામદાર વિમાન ની ઉપર પાંખો ઉપર બરફ જામ્યો હતો તે આળસ અને ખૂબ જ ઠંડીને કારણે છોડી દીધો. સમય થતા પાઈલોટ સહિત બધા પેસેન્જર ગોઠવાઈ ગયા અને વિમાન ટેક ઓફ પછી હવામાં આવતાં વિમાન આગળ ની પાંખો ઉપર બરફ પીગળ્યાં અને છૂટો પડ્યો. આ છૂટો પડેલો બરફ પાછળની પાંખોમાં રહેલા બે પંખા વાળા એન્જિન પર જોરથી અથડાયો અને બન્ને એન્જિન બંધ થઈ ગયા. પાયલોટનો વિમાન ઉપરનો કન્ટ્રોલ જતો રહ્યો અને મોટી વિમાન હોનારત સર્જાય અને ૨૫૦ લોકોના મોત થયાં.

માત્ર એક હાઉસ કીપીંગ ની બેદરકારીને કારણે! સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસ થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલા અને તેમના સત્કાર સમારંભમાં તેમણે કહ્યું : ચાલ શે જેવો અપશુકનિયાળ બીજો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં નથી !!
ચાલશે જેવી ઘાતક શબ્દ આપણી ડિક્શનરી માં બીજો કોઈ નથી. સ્ટડી હોય, સંગીત સાધના હોય, રમતનું મેદાન હોય કે પછી હેલ્થ હોય. આમાં ચલાવી લેવાની વૃત્તિ માણસ ને પાછળ રાખે છે. કુદરતી હોનારત માં થનારા નુકસાનની ભરપાઈ થઈ શકે પણ ચાલશે શબ્દ થી થયેલ નુકશાન કદી ભરપાઈ થતું નથી. જ્યારે આપણે શ્રેષ્ઠતા માટે પ્રયાસ કરતા નથી ત્યારે વ્યક્તિ તરીકે અને છેવટે દેશ તરીકે પણ નબળા પડીએ છીએ. વસ્તુ ખરીદી સમયે મેડ ઇન દિલ્હી અને મેડ ઈન જાપાન બેમાંથી કોઈ એક લેવાની પસંદગી
હોય તો પ્રામાણિકતા થી હૃદય પર હાથ રાખીને વિચારીએ તો આપણે કોની પર ભરોસો વધારે મૂકીએ ?

મોટાભાગના વ્યક્તિ માં ચાલશે ભાવ સ્થાયી બની ગયો છે. કોઇપણ કંપનીમાં અકસ્માત સર્જાય ત્યારે ૯૯ ટકા કારણ તો આ ચાલશે આદત જ જવાબદાર છે. ધોળકામાં આવેલી એક કંપનીમાં આગ હોલવવા માટેના રિફિલિંગ કરવાની બેદરકારીથી એ કંપની સવારમાં રાખ થઈ ગઈ. કર્મચારીએ વિચાર્યું કે છેલ્લા ૨૦ વર્ષમાં કોઈ દિવસ આગ લાગી નથી તો નહીં કરીએ તો ચાલશે !માત્ર ચાલશે થી કરોડોનું નુકસાન ગયું!! જીવનમાં ડગલેને પગલે આ ચાલશે મનોવૃત્તિ અધૂરપ અને વિનાશ નીતરતી રહે છે! સંબંધોમાં મોટી તિરાડ આ વૃત્તિ ના કારણે જ આવે છે.

 

૨. નીતિ-નિયમોનું ઉલ્લંઘન

૨૦૧૭માં એક મોટી આતંકવાદી દુર્ઘટના બની. વલસાડ થી એક બસ અમરનાથ યાત્રાએ ગઈ અને ત્યાં આતંકવાદી હુમલામાં કેટલાક યાત્રીઓની જાન ગઈ. તેમના સહાનુભૂતિ ના મોજા દેશભરમાં ફળી વળ્યું. સરકારે દરેક પરિવારને પાંચ-પાંચ લાખ સહાય જાહેર કરી અને કેટલાક યાત્રીઓની જાન બચાવવા માટે તે બસના ડ્રાઇવરની હિંમત ને બિરદાવવા માં આવી. આ બધાની વચ્ચે મૂળ વાત લોકોના ધ્યાનમાં ના આવી. આ ઘટના પાછળનું મુખ્ય કારણ એ હતું કે આ લોકો થોડા મોડા પહોંચ્યા અને સરકારી રજીસ્ટ્રેશન કરવા જાય તો તે દિવસે રોકાવું પડે અને બીજા દિવસે પરમિશન મળે , ડ્રાઇવરે કહ્યું કે હું સાત વર્ષથી અમરનાથ યાત્રાએ બધાને લઇ જાવ છું. એટલે આપણે સીધા નીકળી જઈએ. બસના પેસેન્જર પણ તૈયાર થઈ ગયા અને સીધા નીકળી પડ્યા.

જો સરકારી રજીસ્ટ્રેશન કરાવે તો આગળ-પાછળ આપણા લશ્કરના જવાનો તેમની સુરક્ષા માટે સાથે જતા
હોય છે. એટલે એમણે સરકારી નીતિ-નિયમોના ભંગ કર્યો. સુરક્ષા માટે ત્યાં બીજો નિયમ છે કે કોઈએ અંધારું
થાય પછી મુસાફરી કરવી નહીં. આ લોકો બસ લઈને નીકળી પડ્યા ત્યાં તેમની. બસના ટાયર મા પંક્ચર પડ્યું. ટાયર બદલતા સમય લાગ્યો આથી અંધારું થઈ ગયું. આ લોકોએ બીજો નિયમ તોડ્યો અને અંધારામાં મુસાફરી કરી અને આતંકવાદીઓના
હુમલાનો ભોગ બન્યા.

વિચારો! તે ખરેખર આતંકવાદી થી માર્યા કે નીતિ નિયમોના ઉલ્લંઘન કરવાથી?

 

૩. ટેન્શન-ભય-ચિંતા.
વ્યક્તિની માનસિક સ્થિતિ બરાબર ન હોય જેમ કે કોઈ તેને ટેન્શન કે ઉપાધિ હોય અને ધ્યાન કેન્દ્રિત ના કરી
શકે તે સ્થિતિમાં પણ અકસ્માત સંભાવના રહેલી છે. મારો હિટાચી કંપની માં એક કાર્યક્રમ હતો અને જેવો પૂરો
થયો કે એક યુવાન ઊભો રહ્યો. મને લાગ્યું કે કોઈ ફીડબેક આપવા કે તેના અંગત વાત કરવા રોકાય છે
એટલે બધા પાર્ટીસિપન્ટ નીકળી ગયા પછી તેણે મને જણાવ્યું અને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મારા તાલીમના ક્ષેત્રમાં કામગીરી દરમ્યાન કશુંક સારું કર્યા સંતોષ મને થઈ રહ્યો હતો.

તેના શબ્દો હતા: સર, આ વર્કર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં મેં હાજરી ના આપી હોત તો કદાચ હું આ દુનિયામાં જ ના રહત. સર આજે સાંજે કેનાલમાં પડી ને મેં આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. હું અને હિટાચી કંપનીના એચ.આર. મેનેજર તો તે યુવાન સામે સ્તબ્ધ થઈને જોઈ જ રહ્યા.

તેમણે આગળ કહ્યું : આજની તાલીમ મને જીવનનો એક નવો રસ્તો બતાવ્યો. હું જીવનથી ખૂબ કંટાળી ગયો હતો. સામાજિક જવાબદારી થી થાકી ગયો હતો. મારી પત્ની, અને મારી મમ્મી સાથેના ઝઘડામાં એટલું તંગ આવી ગયો હતો કે આજે નક્કી કર્યું હતું કે પાછો નહીં આવું. પછી તો અમે તેનું કાઉન્સેલિંગ કર્યું અને આજે વર્ષો પછી પણ તેની પ્રગતિ મને જણાવતો રહે છે.

વ્યક્તિની પોતાની અંગત તકલીફ આપણે કદાચ મદદ ના કરી શકીએ પણ તેને સંભાળીએ તો પણ માનસિક રીતે તે રિલેક્સ થાય છે. આથી, આપણે આપણા સાથીદાર ની ઉદાસીનતા ને નજરઅંદાજ કરવાની જગ્યાએ તેની સાથે હળવેથી વાતચીત શરૂ કરી એક એવો સંવાદ રચવો જોઈએ જે તેને આવી સમસ્યામાંથી બહાર લાવે.

બાકી ના કારણો ની ચર્ચા હવે પછીના અંકમાં કરીશું.

– સુરેશ પ્રજાપતિ  (લેખક અને બિહેવીયર ટ્રેનર),

આકાર એમ્પાવરમેન્ટ પ્રા. લી.

– સુરેશ પ્રજાપતિ  (લેખક અને બિહેવીયર ટ્રેનર),

આકાર એમ્પાવરમેન્ટ પ્રા. લી.

Leave a Reply